
શું પ્રેમ કરવાનો કોઈ સમય હોય છે ? કે પછી પ્રેમ કોઈ સમય પૂરતો જ રહે છે? કે પછી સમય જતા પ્રેમ ફરીથી કૂંપણની જેમ પાંગરે છે ? સાચું કહું, પ્રેમ સમયથી પર છે. એ યાદરૂપે દિલના કોઈ સલામત ખૂણામાં શાશ્વત સમાયેલો રહે છે. એને જયારે યાદ કરો ત્યારે સ્મિત સ્વરૂપે હાજર જ હોય છે. અહીં પ્રસ્તુત કવિતામાં કવિએ પ્રેમ અને સ્વયં બંને ને અલગ દર્શાવ્યા છે. અહીં સ્વયંની, સ્વયંના પ્રેમ ને પામવાની વાત છે. એ બંને સાથે જ છે છતાં અલગ છે. એક બીજાને પામવાની પ્રેમની રીત કૈક અલગ અને અલૌકિક છે.
પ્રેમમાં પહેલા હતી તે તું, ને પછી હતા તે આપણે બંને,
વીતેલા વર્ષોના વિરહમાં વલોવાયા તે આપણે બંને.
શબ્દોની મથામણમાં સમજણ ક્યાંક ઓછી પડી,
અવ્યક્ત થયેલા ભાવથી છેટા થયા તે આપણે બંને.
ઉભો છું હજી હું ઉંબરે આવતી કાલના ઓરણા લેવા,
દૂર દૂરથી મને સમીપે આવતા દેખાયા તે આપણે બંને.
વાદળ વરસે, વીજળી ચમકે, ને વાય વીતરાગી વાયરો,
કોરું રહ્યું કોણ, મેઘધનુષના રંગે રંગાયા તે આપણે બંને.
ઊર્મિસાગર ડૂબકી મારી હરેશ શોધવા નીકળ્યો જયારે,
ખાલી હાથે પાછા ફરતા કિનારે મળ્યા તે આપણે બંને.