Category Archives: Love

નવાં વર્ષનો સંકલ્પ

નવાં વર્ષનો સંકલ્પ

તમસ થી કોણ ડરે છે અહીં, હું જ સૂરજ ને હું જ પ્રકાશ,
પ્રજ્વલ્લિત કરું મારી પ્રતિભાને, હું જ દીવોને હું જ ઉજાસ.

પુરુષાર્થ કેરી પાંખો થકી, જાવુ છે ક્ષિતીજ ને પેલે પાર,
નહીં નડે હવે કોઇ બંધન, હું જ વિહંગ ને હું જ આકાશ.

દિશા બદલી દિશાસૂચકની, મંઝિલ ભણી કર્યું છે પ્રયાણ,
કોનો સાથ ને કોનો સંગાથ, હું જ મારગ ને હું જ પ્રવાસ.

અનંત છું, અનરાધાર છું, અપાર છું ને છે શૂન્યમાં વાસ,
પ્રેરણા થકી પામતો રહીશ, હું જ શ્રદ્ધા ને હું જ વિશ્વાસ.

અમારી આઠમી વર્ષગાંઠ નિમિતે લખેલી ગઝલ

Girl in a jacket

શબ્દોથી તો તને વર્ણવી શકાય તેમ નથી,
ને એકાદ બે ગઝલમાં તુ લખાય તેમ નથી.

સંગીની ની સફર હોય છે, જન્મોજન્મની,
એનુ અંતર કદી વર્ષોમાં મપાય એમ નથી.

હું બધું જ છું, જો તું મારી સાથે હોય તો,
બાકી આ સઘળું મને પોસાય એમ નથી.

વાત હોય વ્યવહારની, તો કહી દઉં બધાને,
સ્નેહનું સમર્પણ જાહેરમાં ચર્ચાય એમ નથી.

ઉગે સવાર મારી, તારામાં મારા પ્રતિબિંબથી,
એથી વધારે જીંદગીથી, કઈં મંગાય એમ નથી.

આપણે બંને

આપણે બંને

શું પ્રેમ કરવાનો કોઈ સમય હોય છે ? કે પછી પ્રેમ કોઈ સમય પૂરતો જ રહે છે? કે પછી સમય જતા પ્રેમ ફરીથી કૂંપણની જેમ પાંગરે છે ? સાચું કહું, પ્રેમ સમયથી પર છે. એ યાદરૂપે દિલના કોઈ સલામત ખૂણામાં શાશ્વત સમાયેલો રહે છે. એને જયારે યાદ કરો ત્યારે સ્મિત સ્વરૂપે હાજર જ હોય છે. અહીં પ્રસ્તુત કવિતામાં કવિએ પ્રેમ અને સ્વયં બંને ને અલગ દર્શાવ્યા છે. અહીં સ્વયંની, સ્વયંના પ્રેમ ને પામવાની વાત છે. એ બંને સાથે જ છે છતાં અલગ છે. એક બીજાને પામવાની પ્રેમની રીત કૈક અલગ અને અલૌકિક છે.

પ્રેમમાં પહેલા હતી તે તું, ને પછી હતા તે આપણે બંને,
વીતેલા વર્ષોના વિરહમાં વલોવાયા તે આપણે બંને.

શબ્દોની મથામણમાં સમજણ ક્યાંક ઓછી પડી,
અવ્યક્ત થયેલા ભાવથી છેટા થયા તે આપણે બંને.

ઉભો છું હજી હું ઉંબરે આવતી કાલના ઓરણા લેવા,
દૂર દૂરથી મને સમીપે આવતા દેખાયા તે આપણે બંને.

વાદળ વરસે, વીજળી ચમકે, ને વાય વીતરાગી વાયરો,
કોરું રહ્યું કોણ, મેઘધનુષના રંગે રંગાયા તે આપણે બંને.

ઊર્મિસાગર ડૂબકી મારી હરેશ શોધવા નીકળ્યો જયારે,
ખાલી હાથે પાછા ફરતા કિનારે મળ્યા તે આપણે બંને.

એ તું જ છે.

એ તું જ છે

મારા દરેક વિચારમાં વિહરતી તું છે,
શ્વાસમાં તું છે ને ધબકારમાં પણ તું છે.

નજર ઉઠાવીને જોઉં તો દ્રષ્ટિમાં તું છે,
બંધ આંખે જો જોઉં તો સ્વપ્નમાં તું છે.

દરેક યાદ માં સંભારણું બની આવતી તું છે.
ક્ષિતિજે ડૂબતા સૂરજની સંધ્યામાં તું છે.

ખળખળ વહેતી નદીઓના પ્રવાહમાં તું છે,
પર્વતની સ્થિરતામાં સ્થાયી થયેલી તું છે.

પંખીઓના કલરવમાં હસતી તું છે,
વાદળોનાં ગડગડાટમાં રમતી તું છે.

સમયની વીતતી દરેક પળમાં તું છે,
ઇતિહાસના સોનેરી પન્નાને શણગારતી તું છે.

લોહીના રક્તકણોમાં ભ્રમણ કરતી તું છે,
હરેશના હાથે ગઝલ બની લખાયા કરતી તું છે.

તારી એક એક અદા ગઝલ હતી

તારી એક એક અદા ગઝલ હતી

તારી એક એક અદા ગઝલ હતી,
દિલને ગમી જે વાત એ અસલ હતી.

તારી યાદમાં નિરાંતે વીતતી પળ પળ,
બાકી જિંદગીમાં ક્યાં કોઈ દખલ હતી?

હતી એટલી સમજણ થી ચાહી તને,
પાછા વળવા માટે ની ક્યાં અકલ હતી?

ખાલી તારામાંજ દેખાયી પ્રેમની પ્રતિકૃતિ,
બાકી બીજે બધે તો માત્ર એની નકલ હતી.

દુકાળો પડ્યા’તા જયારે સગપણનાં,
મીઠી એવી તારી લાગણીની ફસલ હતી.

એ નિર્દોષ ચહેરાની મૃદુતામાં ખોવાયો હતો,
હું મને જ ના મળ્યો, એવી તો એ સકલ હતી.

એક તારી અનુપસ્થિ લાગ્યા કરી જીવનભર,
બાકી હરેશની જિંદગી આમતો સફલ હતી.

ફક્ત તારી યાદ પૂરતી છે જીવવા માટે

ફક્ત તારી યાદ પૂરતી છે જીવવા માટે

ફક્ત તારી યાદ પૂરતી છે જીવવા માટે,
સમય ક્યાં છે તને ફરિયાદ કરવા માટે.

હોય જો વાદળી તો મનમૂકીને વરસ આજે,
ઝાંઝવાંમાં કશું રહ્યું નથી હવે પીવા માટે.

મન થાય ત્યારે બેધડક આવતી રહેજે,
ઘર મારુ ખાલી જ છે તારે રહેવા માટે.

મંજિલ મહોબ્બતની આસાન નથી હોતી,
મરજીવા બનવું પડે એને પામવા માટે.

જો આપવાજ હોય તો થોડા વધારે આપ,
ઓછા પડે છે આ જખમ તને ભૂલવા માટે.

સમજી શકે તો સમજ હરેશની ચુપકીદીને,
હવે બાકી કશું રહ્યું નથી, કંઈ કહેવા માટે.

રંગભૂમિ

રંગભૂમિ

રંગભૂમિ જેવું આ જીવન જીવાયી ગયું,
ગળતા જામનું આખરી બુંદ પીવાયી ગયું.

હસવાનો અભિનય કરવાનો હતો જો કે,
યાદ એમની આવતા આંસુ છલકાયી ગયું.

સર કર્યા સૌ મોરચા જીવનના રંગમંચ પર,
થયો બાદશાહ, પણ પવિત્ર દિલ હરાયી ગયુ.

જ્યાં ભોંઠા પડ્યા અમારા સૌ સંવાદો,
ત્યાં મૌન એમનું સર્વત્ર ચર્ચાયી ગયું .

હતો હરેશ પણ એક અસલ મજાનો કલાકાર,
હતું નાનું, પણ મજાનું નાટક ભજવાયી ગયું.

તમે યાદ આવ્યા

તમે યાદ આવ્યા

લ્યો, આ પડ્યા નવરા ને તમે યાદ આવ્યા,
દિવસે થયા ઉજાગરા ને તમે યાદ આવ્યા.

મને મંઝીલને પામવાની ઘણી હોંશ છે,
રસ્તા વચ્ચે પડ્યો ભૂલોને તમે યાદ આવ્યા.

સાહિત્ય ને મારે તો સાત ગાઉં નું છેટું છે,
લો આ સાંભળી ગઝલને, તમે યાદ આવ્યા.

લોકો કહે છે કે તમે બહુ મિતભાષી છો,
અમે રહ્યા જરાં મૌન ને તમે યાદ આવ્યા.

અમે તો તરસીયે છીએ તમારા આવાજ ને,
આ કોઈએ દીધો ટહુકોને તમે યાદ આવ્યા.

ગમગીની સાથી છે આ સૌ પ્રેમીઓની ,
અમે પડ્યા એકલા ને તમે યાદ આવ્યા.

હરેશ ને શાં માટે યાદ એવો છો ફરી ફરી ને,
આ ભૂલવા બેઠો તમને ને તમે યાદ આવ્યા.

And the journey begins now..

And the journey begins now

The only reason for me to study computer science was to do something different and make a big positive disruptive impact on the way that we live and use technologies. It took 17 years for me to find what I need to do. I think now I know what I need to do for next 25 years.

Random thoughts !

Random thoughts

Our rest of life is the journey to the new beginning or the path to reach our own goal. There comes a time in life where you listen to your soul and embrace the change to fulfill your unfilled dreams. You need to find your lost passion, redefine your own-self and achieve unachievable.