હવે ક્યાં પહેલાની જેમ તારા વિચારોમાં રહેવાય છે?
જો શોધવા નીકળું તો ખુદમાં જ ખોવાઈ જવાય છે.
કેવો રાચતો હતો કલાકો ના કલાક તારી યાદોમાં,
હવે તો જાત ને પણ ક્યાં સમય આપી શકાય છે?
અનેક લાગણીઓ ઉભરાતી’તી આ હૃદય સાગરમાં,
ઓટ તો નથી આવી, પણ ભરતીઓ સમાઇ જાય છે.
નહોતી આવડતી છતાં તારા વિશે લખ્યા કરતો’તો,
ને આજે આવડે છે તો ક્યાં ગઝલમાં ગૂંથી શકાય છે?
મિત્રો સઘળા મજા લેતા મારી, રોજ વાતો કરીને તારી,
ભૂતકાળ ને માત્ર સંસ્મરણોમાં જ તાજો કરી શકાય છે.
ને ક્યારેક આમ વહેલી સવારે આવી જાય યાદ તારી,
તો હરેશ થી ક્યાં બધી લાગણીઓ ને છુપાવી શકાય છે?